સંસ્કારી અને સુખી પરિવારમાં જન્મેલા પ્રફુલ પટેલ પોતે સત્તા અને વિનમ્રતાનું ઉમદા ઉદાહરણ છે. તેનો શ્રેય દેખીતી રીતે તેમના પિતા સ્વ. મનોહરભાઈ પટેલને જાય છે, જેમણે પોતે શરૂઆતમાં ઘણું સાધારણ જીવન વિતાવ્યું હતું. પરિવારની સાધારણ સ્થિતિને કારણે પિતા મનોહરભાઈ પટેલ પૂરતું શિક્ષણ મેળવી શક્યા નહોતા અને રોજગારીની શોધમાં વતન ગુજરાત પણ છોડ્યું હતું. ટ્રક લોડિંગ-અનલોડિંગ કરવાથી માંડીને ગૃહ ઉદ્યોગની ચીજો સાઈકલ પર ફરીને વેચવા જેવાં કામો કરનાર મનોહરભાઈએ પછી ગોંદિયામાં બીડી ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને એક સફળ બિઝનેસમેન તરીકે આગળ આવ્યા. પોતે માત્ર ચાર ધોરણ સુધી ભણ્યા હોવાને કારણે મનોહરભાઈએ જીવનમાં સફળતા મેળવ્યા પછી મુખ્ય ધ્યેય શિક્ષણના ક્ષેત્રમાં કામગીરી કરવાનું રાખ્યું. આ તમામ કામગીરીમાં તેમને પત્ની શાંતાબેનને પૂરેપૂરો સહકાર મળી રહ્યો જેને કારણે તેઓ સફળતાનાં શિખરો સર કરી શક્યા.પોતાના જીવનની આ બે મહત્ત્વની વ્યક્તિ- માતા-પિતા પાસેથી ઉચ્ચ અને માનવીય મૂલ્યો ગ્રહણ કરનાર પ્રફુલ પટેલે કેન્દ્રીય પ્રધાન સહિત અનેક ઉચ્ચ હોદ્દા પર સેવા બજાવી હોવા છતાં સામાન્ય પ્રજાજનો સાથેનો આત્મીય સંબંધ યથાવત્ જાળવી રાખ્યો છે. ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા પ્રફુલ પટેલને નિયમિત રીતે ભંડારા અને ગોંદિયાના ખેડૂતો સાથે સાવ સહજતાથી વાતચીત કરતા જોઈ શકાય છે.
પિતા તરફથી નેતૃત્વના ગુણ વારસામાં મેળવનાર પ્રફુલભાઈએ ઘણી યુવાન વયે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સૌપ્રથમ 28 વર્ષની ઉંમરે તેઓ ગોંદિયા મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને 33 વર્ષની ઉંમરે પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા. લોકસભામાં સળંગ ત્રણ મુદત માટે ચૂંટાયા પછી વર્ષ 2000 અને 2006 એમ બે વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. આ પછી 2009માં ચોથી વખત તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. તે સમયે ભારતીય પ્રધાનમંડળના જે જૂજ યુવાન નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં પ્રફુલભાઈનો પણ સમાવેશ થતો હતો.
સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રભાવશાળી રહેલા પ્રફુલ પટેલ એક સક્ષમ સ્ટેટ્સમેન – રાજનીતિજ્ઞ તરીકે પણ ઉભરી આવ્યા છે તેઓ દેશના એક નોંધપાત્ર રાજકીય પક્ષ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન સી પી)ના સૌથી અગત્યના સ્થાપક સભ્યો પૈકી તેઓ પણ એક છે. તેઓ ભાઈચારાનાં મૂલ્યોને સક્રિય રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે જેને કારણે પ્રગતિ માટેનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરે છે. તેઓ તેમના પક્ષ દ્વારા સમાજના દરેક વર્ગ સાથે જોડાયેલા રહ્યા છે.
પ્રફુલભાઈએ તેમના નેતા અને ભારતના શક્તિશાળી રાજકારણીઓ પૈકી એક એવા શ્રી શરદ પવારને સક્રિય ટેકો આપીને તેમને મજબૂત બનાવ્યા છે. શ્રી પવારની સાથે તેમણે પોતાની રાજકીય કારકિર્દીના ઉતાર-ચઢાવનો મક્કમતાપૂર્વક સામનો કર્યો છે એટલું જ નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંબંધો વધારે મજબૂત બનાવ્યા છે. એનસીપીનો પાયાનો સિદ્ધાંત પ્રગતિ, વિકાસ અને સેક્યુલારિઝમ (ધર્મનિરપેક્ષતા) છે. એનસીપીને રાષ્ટ્રીય સ્તરે ફેલાવવામાં પ્રફુલ પટેલનો ફાળો નોંધપાત્ર છે અને એ બાબત તેમની રાજકીય કૂનેહનું ઝળહળતું ઉદાહરણ છે.